માં વિશ્વંભરી તીર્થધામ ખાતે ધામધુમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્સવ..
વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થધામ ખાતે ચૈત્રી નવરાત્રી દરમ્યાન નવ દિવસ ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જેમાં સવારે ૭.૦૦ થી ૧૨.૩૦ મહામૃત્યુંજય યજ્ઞ અને રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ સુધી સાંસ્કૃતિક રાસ-ગરબા થાય છે. આ કાર્યક્રમ નિહાળવા દેશ-વિદેશથી રોજ-બરોજ મોટી સંખ્યમાં માનવ મહેરામણ ઉમટે છે. ઉપરાંત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ 'Maa Vishvambhari Tirthyatra Dham' નામની YouTube ચેનલ પર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર વિશ્વમાં વસતા અસંખ્ય માઈભક્તો ઘરબેઠાં આ દિવ્ય કાર્યક્રમનો લાભ લઇ રહ્યાં છે.
વર્તમાન સમયમાં, જ્યારે સનાતન વૈદિક સંસ્કૃતિ માનવજીવનમાંથી સાવ વિસરાઈ જતી જોવા મળે છે, ત્યારે આ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય અને સમગ્ર વિશ્વમાં તેનું દિવ્ય તેજ ફરીથી પ્રકાશિત થાય – એવા શુભ સંકલ્પ સાથે ધામના સંસ્થાપક શ્રી મહાપાત્ર, માં વિશ્વંભરી ધામે દર્શનાર્થે આવતા ભક્તોને મર્યાદાને અનુરૂપ સંસ્કારયુક્ત વસ્ત્રો ધારણ કરવા માટે સતત પ્રેરિત કરી રહ્યા છે. એટલું જ નહીં, નવરાત્રીના પાવન અવસર પર વૈદિક પ્રણાલી અનુસાર યોજાતા સાંસ્કૃતિક રાસ-ગરબા તથા મહાયજ્ઞ જેવા અલૌકિક અને દિવ્ય કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને સનાતન વૈદિક સંસ્કૃતિના અમૂલ્ય સિદ્ધાંતો, પરંપરાઓ તથા જીવનમૂલ્યોનું જીવંત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી, આ સંસ્કૃતિને પુનઃ જીવંત કરી રહ્યા છે.
તદુપરાંત ભગવાન શ્રીરામે ચરિતાર્થ કરેલ આદર્શ કુટુંબ વ્યવસ્થા અને શ્રીકૃષ્ણે પ્રબોધેલી આદર્શ સમાજ વ્યવસ્થા, આજના યુગમાં ધીમે-ધીમે વિસરાતી જઈ રહી છે, ત્યારે શ્રી મહાપાત્રએ વિશ્વભરમાં અસંખ્ય પરિવારોના ઘરોને પવિત્ર ઘરમંદિરોમાં પરિવર્તિત કરીને, વિસરાઈ ગયેલી આ બંને આદર્શ વ્યવસ્થાઓને ફરી એક વાર પુનઃપ્રસ્થાપિત કરી રહ્યા છે.
No comments